કેન્દ્રીય સરકારી કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર વધશે કે નહીં તે અંગેની અટકળો પર સરકારએ પૂર્ણવિરામ મૂક્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં સ્પષ્ટ કહ્યું કે સરકાર રિટાયરમેન્ટ ઉંમરમાં કોઈ ફેરફાર કરવાના વિચારે નથી.
કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ ઉંમરને લઈ સરકારનો સ્પષ્ટ જવાબ
છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ ઉંમર વધારવા અંગે અનેક અટકળો ચાલી રહી હતી. જો કે, કેન્દ્રીય મંત્રીએ લખિત જવાબ આપતા જણાવ્યું કે નિવૃત્તિ ઉંમરમાં કોઈ ફેરફાર કરવા અંગે સરકાર પાસે કોઈ પ્રસ્તાવ નથી.
જ્યારે તેમને સરકારી કર્મચારી સંઘ અથવા સંગઠન દ્વારા રિટાયરમેન્ટ ઉંમર વધારવાની માંગ કરવામાં આવી છે કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો કે રાષ્ટ્રીય કર્મચારી પરિષદ તરફથી કોઈ ઔપચારિક દરખાસ્ત પ્રાપ્ત થઈ નથી.
કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે રિટાયરમેન્ટ ઉંમર
કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે નિવૃત્તિ ઉંમરમાં ભિન્નતા જોવા મળે છે.
- કેન્દ્ર સરકારના મોટાભાગના કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ ઉંમર 60 વર્ષ છે.
- શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે તે 65 વર્ષ સુધી પણ હોઈ શકે છે.
- રાજ્ય સરકારો તેમના પોતાના નિવૃત્તિ નીતિઓ નક્કી કરે છે, જે વિવિધ વિભાગોમાં અલગ હોઈ શકે છે.
DA (મોંઘવારી ભથ્થા) માં વધારો શક્ય
મોંઘવારી ભથ્થા (DA) માં 2 ટકાનો વધારો થવાની શક્યતા છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 53% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જે કેબિનેટની આગામી બેઠકમાં 55% સુધી જઈ શકે છે.
આવનારા દિવસોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ નિર્ણયો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.