શરીરમાંના જીવાણુઓને મારવા માટે વપરાતી દવા એન્ટિબાયોટિક તરીકે ઓળખાય છે. સાચા અર્થમાં જેને એન્ટિબાયોટિક કહી શકાય તેવી પહેલી જે દવા શોધાઈ તે પેનિસિલિન હતી. અસલમાં પેનિસિલિનની શોધ આકસ્મિક રીતે થઈ હતી. થયું એવું કે લંડનની મેડિકલ કોલેજના બેક્ટેરિયોલોજીના પ્રોફેસર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બે અઠવાડિયાંના વેકેશન પછી પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે તેમણે સ્ટેફાયલોકોકસ બેક્ટેરિયાના સંવર્ધન માટે જે પ્લેટ રાખેલી તેમાં એક બેક્ટેરિયા-મુક્ત ભાગ રચાયો હતો. આ મામલે ખણખોદ કરીને ફ્લેમિંગે બેક્ટેરિયા સામે લડનાર રસાયણ અલગ તારવ્યું અને તેને નામ આપ્યું, પેનિસિલિન. આ ઘટના ઘટી ૧૯૨૮માં. પેનિસિલિન અને ત્યાર પછી શોધાયેલા અન્ય એન્ટિબાયોટિક્સે મનુષ્યનું સરેરાશ આયુષ્ય લંબાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે.