શાંતિલાલનો નાનો પરિવાર એક ગામમાં સુખેથી રહેતો હતો. પરિવારમાં તેમની પત્ની સરિતા અને પુત્ર રાજન હતો. શાંતિલાલ નજીકના શહેરમાં આવેલી ‘વડીલ વૃંદાવન’ સંસ્થામાં સંચાલક તરીકે નોકરી કરતા હતા. રાજનને એક મિત્ર હતો જેનું નામ સાજન હતું. એ અવારનવાર મિત્રના ઘેર જતો હતો. રાજન જાણતો હતો કે તેના આ મિત્રના પરિવારમાં રોજ ઝઘડા થતા હતા. ઘરમાં સાજનનાં વડીલ દાદા-દાદી હતાં પરંતુ તેમની સેવા કોઈ કરતું ન હતું ઊલટાનું તેમની સાથે ઘરમાં ખરાબ વર્તન કરવામાં આવતું.
એક દિવસ સાજનના પપ્પા કંટાળીને દાદા-દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યાં પરંતુ સાજનને આ ગમ્યું નહીં. આ બધું રાજન જાણતો હતો પણ વૃદ્ધાશ્રમ વિશે તેને કશી ખબર નહોતી. એને તો એટલી જ ખબર કે મારા પપ્પા ઘરડાઘરમાં નોકરી કરે છે એને વૃદ્ધાશ્રમ કહેવાય.
એક વખત રાજને તેના પપ્પાને વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવવા કહ્યું. પછી શાંતિલાલ તેને વડીલ વૃંદાવનમાં સાથે લઈ ગયા. રાજને ત્યાં જોયું તો અહીં બધા વૃદ્ધો જ રહેતા હતા. કોઈ પુસ્તક વાંચતું હોય તો કોઈ કપડાં વાળતું હોય કે દવા-ગોળી લેતું હોય. જીવનના આ અંતિમ પડાવમાં અહીં સૌ સ્વમાનભેર શાંતિનો અનુભવ કરી રહ્યા હતા. પરિવાર માટે જીવનભર બધંુ જ કરી છૂટવા છતાં પણ અંતે દીકરા-વહુઓએ આ લોકોને અહીં ઘરડાઘરમાં ધકેલી દીધાં હતાં. પપ્પા આ બધું રાજનને સમજાવતાં કહે છે બેટા, વડીલો માટે તો આ જ સ્વર્ગ અને આ જ વૃંદાવન છે. જે ઘરમાં વડીલ મા-બાપની સેવા-ચાકરી ન થતી હોય એ ઘર સ્મશાન સમાન છે. ઘરડાં મા-બાપની સેવાથી મળતા પુણ્ય જેવું આ જગતમાં બીજું એકેય પુણ્ય નથી. જો મા-બાપના આશીર્વાદ મળે તો આપણું જીવન ધન્ય બની જાય, પરંતુ તેમના નિસાસા લેનાર પરિવાર કદી સુખી થતો નથી.
પછી રાજને તેનાં મિત્રનાં દાદા-દાદીની મુલાકાત કરાવી. રાજનને જોતાં જ દાદા-દાદીને તેમના પૌત્રની યાદ આવી ગઈ અને આંખો ભીની થઈ ગઈ. પછી રાજનના માથે હાથ ફેરવતાં એ બોલ્યા- ‘બેટા, તારા મિત્ર સાજનને અમારી યાદ આપજે અને જ્યાં હોય ત્યાં સુખી થજે.’ આ દૃશ્ય જોઈ રાજનનું હૃદય પણ દ્રવી ઊઠયું. પછી બંને ત્યાંથી વિદાય થયા.