સુરત પોલીસ દ્વારા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે, બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગવાનો આરોપ છે, કીર્તિ પટેલએ હનીટ્રેપની ધમકી પણ આપી હતી.
વિવાદાસ્પદ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. સુરત પોલીસે મંગળવારે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી છે. આરોપ છે કે કીર્તિ પટેલે જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા પાસેથી રૂપિયા 2 કરોડની ખંડણી માગી હતી અને જો પૈસા ન આપે તો હનીટ્રેપના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર વજુભાઈ કત્રોડિયાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, કીર્તિ પટેલ સતત તેમને પૈસા આપવા માટે દબાણ કરી રહી હતી અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપતી હતી.
પોલીસે ફરિયાદના આધારે કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, પરંતુ ત્યારબાદથી તે ફરાર હતી. છેલ્લા કેટલાય મહિના સુધી કીર્તિ પટેલની શોધખોળ ચાલી રહી હતી. મંગળવારે 17 જૂને સુરત પોલીસને માહિતી મળતા અમદાવાદ ખાતે રેડ પાડી અને કીર્તિ પટેલને ઝડપી લેવામાં આવી હતી.
હવે કીર્તિ પટેલ સામે આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. ટિકટોક તથા સોશિયલ મીડિયા પર એક સમયના ચર્ચિત નામ તરીકે ઓળખાતી કીર્તિ પટેલ ફરીથી ન્યૂઝ હેડલાઇનમાં આવી છે – પરંતુ આ વખતે નકારાત્મક કારણો સર સમાચારમાં છવાય છે.