કેન્દ્ર સરકારે સાંસદોના પગાર, દૈનિક ભથ્થાં (DA) અને પેન્શનમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નવા નિર્ણય મુજબ, સાંસદોનો માસિક પગાર અગાઉ રૂ. 1,00,000 હતો, જે હવે વધારીને રૂ. 1,24,000 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દરરોજના ભથ્થામાં પણ ફેરફાર કરાયો છે, જે અગાઉ રૂ. 2,000 હતો તેને વધારીને રૂ. 2,500 કરાયો છે. ભૂતપૂર્વ સાંસદોને મળતું માસિક પેન્શન પણ રૂ. 25,000 થી વધારીને રૂ. 31,000 કરવામાં આવ્યું છે.
સંસદીય કાર્ય મંત્રાલયની જાહેરાત
સંસદીય કાર્ય મંત્રાલયે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. આ નવું સુધારેલું વેતન ધોરણ 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. સરકારે આ નિર્ણય મોંઘવારીને ધ્યાનમાં રાખીને લીધો છે અને તે સભ્યોના વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ, 1954 હેઠળ સુધારો કરવામાં આવ્યો છે.
મોંઘવારીને કારણે વેતનમાં વધારો
આ વેતન વધારો છેલ્લા 5 વર્ષમાં વધેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ ફેરફારથી વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદોને આર્થિક રીતે રાહત મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નિર્ધારિત મોંઘવારી દર અને કોસ્ટ ઈન્ફ્લેશન ઈન્ડેક્સના આધારે આ નિર્ણય લેવાયો છે.
કર્ણાટકના નિર્ણય બાદ કેન્દ્રનું પગલું
આ નિર્ણય કર્ણાટક સરકારે તેના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 100 ટકા વધારો કર્યાના થોડા દિવસો બાદ લેવાયો છે. કર્ણાટકમાં આ નિર્ણયને લઈને વિધાનસભામાં ભારે ચર્ચા થઈ હતી. ત્યાં આ માટે બે સુધારા બિલ પસાર કરાયા હતા, કર્ણાટક મંત્રીઓના વેતન અને ભથ્થા (સુધારા) બિલ 2025 અને કર્ણાટક વિધાનમંડળ સભ્યોના વેતન, પેન્શન અને ભથ્થા બિલ 2025.
સરકારી કર્મચારીઓના ડીએમાં વધારાની આશા
સરકારી કર્મચારીઓ પણ લાંબા સમયથી મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની રાહ જોઈ રહ્યા છે. સાંસદોના વેતનમાં વધારા બાદ હવે એવી અપેક્ષા છે કે સરકાર કર્મચારીઓને પણ ટૂંક સમયમાં રાહત આપશે. સમાચારો અનુસાર, આગામી સપ્તાહે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે. જો મંજૂરી મળે તો નવું DA જાન્યુઆરી 2025થી લાગુ થશે, અને એપ્રિલ મહિનાના પગાર સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનું એરિયર પણ મળી શકે છે.