ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ આવતા વેરહાઉસિંગ કોર્પોરેશનના અધિકારી તથા કર્મચારીઓને લાંબા સમયથી ચાલી રહેલી માગણીને માન આપીને હવે સાતમું પગાર પંચ લાગુ કરાયું છે.
વર્ષો જૂની માંગણી પછી સરકારે નિર્ણય લેતાં, હવે જૂન મહિના થી નવા પગારધોરણ લાગુ પડશે. તેમાં પટાવાળા કે ચોકીદાર જે પહેલાં 4440-7440 ગ્રેડ પે હેઠળ કામ કરતા હતા તેમનો પગાર હવે 14800-47100 થયો છે. એટલું જ નહીં, ડીજી વર્ગ-1ના અધિકારીઓને હવે 56100-177500 સુધીના ગ્રેડ પેનો લાભ મળશે.
કુલ 271 જગ્યાઓ ઉપર સાતમા પગાર પંચનો લાભ મળશે જેમાં હાલ ફક્ત 56 જગ્યાઓ ભરાયેલી છે જ્યારે 215 જગ્યાઓ ખાલી છે. કૃષિ વિભાગના જણાવ્યા મુજબ, સાતમા પગાર પંચનો લાભ ફક્ત આ નિર્ધારિત જગ્યાઓ માટે જ લાગુ રહેશે. બાકીની જગ્યાઓ માટે આ લાભ મળવાપાત્ર નહીં હોય.
હજુ વધુમાં, વિભાગે સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકારની પૂર્વમંજૂરી વિના વેરહાઉસિંગ કોર્પોરેશન નવી જગ્યાઓ ઉભી નહીં કરી શકે. આ ઉપરાંત ભથ્થાંઓ અને અન્ય લાભો છઠ્ઠા પગાર પંચ મુજબ જ મળતા રહેશે, જયાં સુધારો કરાયો નથી.
રાજ્ય સરકારે અગાઉથી જ સરકારના વિવિધ બોર્ડ અને નિગમોમાં સાતમું પગાર પંચ ધીમે ધીમે લાગુ કરવાનો નિર્ણય લીધો હતો અને હવે કૃષિ વિભાગના કર્મચારીઓને પણ તેનો સીધો લાભ મળ્યો છે.