- હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો – ઋષિકેશ પટેલ
- ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનને મળવા પહોંચેલા કર્મચારીઓની અટકાયત
રાજ્યમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. આજે આ કર્મચારીઓ મુખ્ય પ્રધાનને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા, જેને કારણે પાટનગરમાં પોલીસ બંદોબસ્ત કડક બનાવાયો હતો. હડતાળ પર રહેલા આરોગ્ય કર્મચારીઓ વિધાનસભા સુધી રેલી કાઢીને ઘેરાવ કરવાની તૈયારીમાં હતા, પરંતુ પોલીસે 1000 કરતા વધુ કર્મચારીઓની અટકાયત કરી હતી.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે શું કહ્યું?
આ મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે આ હડતાળ ગેરવ્યાજબી છે અને તાત્કાલિક સમાપ્ત થવી જોઈએ. તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે જો હડતાળ સમેટવામાં નહીં આવે તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દા પર સરકાર પહેલાથી ચર્ચા કરી રહી છે. કેટલીક માંગણીઓ અંગે સહમતિ પણ બની છે, પણ અન્ય મુદ્દાઓને લઈ કાયદેસર પ્રક્રિયા અનુસરવી જરૂરી છે. તેમણે હડતાળને અયોગ્ય ગણાવતા કહ્યું કે રાજ્યના નાગરિકોને આરોગ્ય સેવાઓ માટે મુશ્કેલી પડવી જોઈએ નહીં.
આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
- ગ્રેડ-પેમાં સુધારો અને ટેકનિકલ ગ્રેડ-પેનો સમાવેશ
- ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી
- ટેકનિકલ કેડરમાં સમાવેશ માટે કાયદાકીય કાર્યવાહી
આ માંગણીઓ અંગે આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી સરકાર સામે રજૂઆતો કરી રહ્યા છે.
કૉંગ્રેસે પણ ઉઠાવ્યા સવાલ
વિપક્ષે પણ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કૉંગ્રેસ પ્રવક્તા શૈલેષ પરમારે જણાવ્યું કે ચૂંટણી પહેલા સરકાર હડતાળી આરોગ્ય કર્મચારીઓની ચાર માંગણીઓ સ્વીકારી હતી, પણ બે વર્ષ વીતી ગયા છતાં અમલ નથી થયો.