રાજકોટ શહેરમાં યોજાતો ઐતિહાસિક લોકમેળો આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લા કલેક્ટરે તાજેતરમાં જાહેર નિવેદન આપતા જણાવ્યું કે, રાઈડ્સ સંચાલકોને સરકારની SOP મુજબ જ મંજૂરી આપવામાં આવશે અને તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવાશે.
જિલ્લા વહીવટીતંત્ર તરફથી સ્પષ્ટ કરાયું છે કે, રાઈડ્સના ફિઝિકલ ફિટનેસ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. જો સંચાલકો પાસે કોઈ વિશેષ માંગણીઓ હશે તો તે સરકાર સુધી પહોંચાડવામાં આવશે.
મેળાના આયોજનને લઈને મહત્વપૂર્ણ મુદ્દો એ પણ સામે આવ્યો છે કે, લોકમેળાનું સ્થળ પણ બદલાઈ શકે છે. હાલ 150 ફૂટ રીંગ રોડ પર મેળાનું આયોજન થવાની શક્યતા છે. રાઈડ્સ સંચાલકો દ્વારા આ સ્થળે જમીન સમતળ કરવા માટે ગ્રાન્ટની માંગ પણ કરાઈ છે. જો સરકાર સમયસર ગ્રાન્ટ મંજૂર કરે તો મેળાનું આયોજન નવી જગ્યાએ થઈ શકે છે.
મહત્વપૂર્ણ છે કે 2024માં સરકારના નિયમોની કડક અમલવારીના કારણે લોકમેળામાં એકપણ રાઈડ શરૂ થઈ શકી ન હતી. તેથી આ વર્ષે પણ રાઈડ્સ માટે ફાઈનલ મંજૂરી મળશે કે નહીં એ આશરે તબક્કે સ્પષ્ટ થશે.