પોરબંદર, તા. ૨૦ જુન, ૨૦૨૫: પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર તથા પેટા ચૂંટણી માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ૨૦૨૫ માટેની ચૂંટણી ૨૮ મે, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ હેઠળ તા. ૨૨ જુન, ૨૦૨૫ના રોજ મતદાન તથા તા. ૨૫ જુન, ૨૦૨૫ના રોજ મતગણતરી યોજાશે.
આ પ્રક્રિયા માટે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી. ધાનાણી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૪૧, ૧૦૮, ૧૦૯, ૧૪૮ તથા ૧૬૩ હેઠળ પરિશિષ્ટ-૧ તથા પરિશિષ્ટ-ર મુજબ નિયુક્ત ઝોનલ ઓફિસરોને (સેક્ટર ઓફિસરો) ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે અધિકારો એનાયત કરાયા છે. આ અધિકારો તા. ૨૦ જુન, ૨૦૨૫થી શરૂ થઇ મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી, તેમજ જરૂર પડે તો પુનઃમતદાન પૂરું થાય ત્યાં સુધી લાગુ રહેશે.
આ નિર્ણયથી પોરબંદર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ અને કાયદો-વ્યવસ્થા જાળવી શકાશે તથા મતદાનની પારદર્શકતા સુનિશ્ચિત થશે.