પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તથા એન.યુ.એલ.એમ. હેઠળ પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત તમામ ઘરોને પ્લાસ્ટિકની થેલી મુક્ત બનાવવા માટે 5 જૂનથી 31 ઓક્ટોબર સુધી ‘માય થેલી’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ પોરબંદરના વાડીપ્લોટ ખાતે આવેલા રજપૂત સમાજ ખાતે વિનામૂલ્યે થેલી બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પ દર ગુરુવાર અને શુક્રવારે સવારે 10:30 થી બપોરે 2 અને ત્યાર બાદ બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ અભિયાનમાં વધુ ને વધુ શહેરવાસીઓ જોડાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતના તિવારી ખાસ હાજર રહ્યા હતા. તેમણે પોરબંદરને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે નાગરિકોને આ અભિયાનમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી.
આ પહેલ પોરબંદરને વધુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં મદદરૂપ થશે.