હજારો વર્ષ પહેલાંની આ વાત છે.
ઉત્તર ભારતના મથુરા નામના શહેર પર ઉગ્રસેન નામના રાજાનું રાજ હતું. એ રાજાનો દીકરો કંસ બહુ ખરાબ માણસ હતો.
આ ક્રૂર કંસે પોતાના જ પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા અને પોતે ગાદી પર બેસી ગયો.
પછી એક વાર કંસને આકાશવાણી સંભળાઈ કે તારાં બહેન-બનેવી એટલે કે દેવકી-વસુદેવનું આઠમું સંતાન તારી હત્યા કરશે.
કંસ આ સાંભળીને ડરી ગયો. તેણે બહેન દેવકી અને બનેવી વસુદેવને મારી નાખવાનું નક્કી કર્યું. પરંતુ દેવકીએ કંસને વિનંતિ કરીઃ હે મારા પ્રિય ભાઈ, મારાં જેટલાં પણ સંતાનો થશે એ હું તને સોંપી દઈશ.
કંસ માની ગયો. એણે પોતાની બહેન દેવકી અને બનેવી વસુદેવને મારી નાખવાને બદલે જેલમાં પૂરી દીધાં. પછી દેવકીને એક પછી એક એમ સાત સંતાનો જન્મ્યાં. એ બાળકો જેવાં જન્મે કે તરત કંસ આવીને તેમને મારી નાખતો હતો.
પછી જ્યારે દેવકીનું આઠમું બાળક જન્મવાનું હતું ત્યારે કંસે ચકલું પણ જેલમાં ન ફ્રકી શકે એવો જડબેસલાક પહેરો ગોઠવી દીધો.
અને પછી આજના દિવસે એટલે કે શ્રાવણ વદ આઠમે દેવકીએ આઠમા સંતાનને જન્મ આપ્યો. એ વખતે ઘોર અંધારું હતું, પરંતુ સંતાનના જન્મ સાથે જ જેલની કોટડીમાં પ્રકાશ રેલાયો. અને શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ ભગવાન ત્યાં પ્રગટ થયા.
દેવકી અને વસુદેવ ભગવાનનાં ચરણોમાં પડી ગયાં. ભગવાને કહ્યું, હવે હું ફ્રી નવજાત બાળકનું રૂપ ધારણ કરી લઉં છું. તમે મને અત્યારે જ વૃંદાવનમાં તમારા મિત્ર નંદજીના ઘરે પહોંચાડી દો. અત્યારે તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે એ દીકરીને લાવીને કંસના હવાલે કરી દો.
સૂચના પ્રમાણે વસુદેવ પછી નવજાત બાળકનું રૂપ ધરનારા કૃષ્ણને એક ટોપલીમાં રાખીને કોટડીમાંથી બહાર નીકળ્યા. બહાર ખરેખર ચોકીદાર સૂઈ ગયા હતા. દરવાજા ખરેખર આપોઆપ ખૂલી ગયા.
વૃંદાવન જતાં રસ્તામાં યમુના નદી આવી. નદી અત્યંત જોરથી વહી રહી હતી, પરંતુ વસુદેવ ત્યાં પહોંચ્યા કે તરત યમુના નદીએ પોતાનું વહેણ ઘટાડીને વસુદેવને જવા માટે સગવડ કરી આપી અને એક વિરાટકાય નાગદેવતાએ છત્રી બનીને બાળકૃષ્ણને વરસાદથી બચાવ્યા.
વૃંદાવન જઈને વસુદેવે યશોદાની તાજી જન્મેલી દીકરીની જગ્યાએ કૃષ્ણને સુવડાવી દીધા અને કન્યાને લઈને તેઓ મથુરા આવી ગયા.
જેલના દરવાજા ફ્રરીથી પહેલાંની જેમ બંધ થઈ ગયા. કંસને ખબર પડી કે દેવકીએ એક બાળકને જન્મ આપ્યો છે. એ તરત જેલમાં પહોંચ્યો અને દેવકી પાસેથી નવજાત દીકરીને લઈને એ બાળકીને જોરથી જમીન પર પછાડવા ગયો એટલામાં બાળકી તેના હાથમાંથી છટકીને ઊંચે જતી રહી. એ જતાં જતાં બોલી, એ મૂરખ કંસ, મને મારવાથી તું બચી નહીં શકે. તને મારવાવાળો તો વૃંદાવન પહોંચી ગયો છે. એ તને તારાં પાપોની સજા આપશે.
આ છે શ્રી કૃષ્ણના જન્મની કથા.