હરિયાણાની યુટ્યુબર જયોતિ મલ્હોત્રા સામે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રો જણાવે છે કે જયોતિ પહેલગામ હુમલાથી થોડા દિવસો પહેલા પાકિસ્તાન ગઈ હતી, જ્યાં મરીદકે સ્થિત કેમ્પમાં 14 દિવસ સુધી ખાસ જાસૂસી તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ તે ભારતમાં એક મોટા ડિજિટલ મિશનમાં જોડાઈ ગઈ હતી, જેના માધ્યમથી પાકિસ્તાન ભારત સામે નવી રીતનું ડિજિટલ યુદ્ધ શરૂ કરવા માગતું હતું.
જ્યારે તેમનું મિશન શરૂ કરવાનું હતું ત્યારે પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદુર’ શરૂ થઈ ગયું, જેના કારણે મિશન રોકાઈ ગયું. અત્યારે પણ તેનું સાચું મિશન શું હતું તે સ્પષ્ટ નથી થયું.
પોલીસ સૂત્રોના મતે, જયોતિ પહેલાથી ત્રણ વખત પાકિસ્તાન ગઈ છે. એના પાસપોર્ટમાં કરતારપુર સાહિબ મારફતે પાકિસ્તાન પ્રવેશની ત્રણ એન્ટ્રી મળી છે. બીજી અને ત્રીજી વાર તેને વિઝા પાકિસ્તાની હાઇ કમિશનમાં રહેલા અધિકારી દાનિશે અપાવેલા છે. એવું માનવામાં આવે છે કે તે વધુ બે-ત્રણ વખત બિનકાયદેસર રીતે પણ પાકિસ્તાન ગઈ છે.
જાસૂસીની તાલીમ, પણ મિશન હજુ રહસ્યમય
ત્રીજીવાર પાકિસ્તાન જતા તે સીધા ઇસ્લામાબાદ ગઈ હતી અને ત્યાંથી મરીદકે કેમ્પમાં 14 દિવસની ખાસ તાલીમ લીધી હતી. ભારત પર પાછા ફરી તે મિશન પર કામ શરૂ કરવા જતી હતી, પણ હુમલાની ઘટના પાછળ તે રોકાઈ ગઈ. એવી પણ વાતો છે કે જયોતિને હુમલાની જાણકારી પહેલેથી જ હતી, જો કે પોલીસ તરફથી તે પૃષ્ટિ મળી નથી.
મિશનમાં એકલી ન હતી જયોતિ
આ ગુપ્ત મિશનમાં જયોતિ સિવાય પણ 24થી વધુ ભારતીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સામેલ હતા. બધાના લાખો ફોલોઅર્સ છે. આ ડિજિટલ યુદ્ધ અંતર્ગત ભારતીય જનતાના મનમાં પાકિસ્તાન માટે હકારાત્મક છબી ઊભી કરવી અને પોતાની જ સરકાર વિરુદ્ધ ઉભા કરવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવવી હતી. સાથે ભારતની ગુપ્ત જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડવી પણ મિશનનો ભાગ હતો.
હિસારના એસપીની પુષ્ટિ
હિસારના એસપી શશાંક કુમાર સાવનએ પણ જણાવ્યું કે યુદ્ધ ફક્ત સરહદ પર નહિ, દેશની અંદર પણ થાય છે. જયોતિ મલ્હોત્રા એ પાકિસ્તાની ડિજિટલ યુદ્ધની યોજનાનો એક ભાગ હતી.
કોણ છે જયોતિ મલ્હોત્રા?
જયોતિ મલ્હોત્રા હિસારના એક સામાન્ય પરિવારની પુત્રી છે. તેના પિતા હરિશ મલ્હોત્રા વીજ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. માતા પિતાના છુટાછેડા પછી તેણે ગ્રેજ્યુએશન બાદ ઘર છોડ્યું અને ગુરુગ્રામમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી શરૂ કરી. કોરોનાકાળમાં ઘર પર પાછી આવી અને પછી YouTube પર એક્ટિવ થઈ. તે દરમિયાન તેનો સંપર્ક પાકિસ્તાની અધિકારી દાનિશ સાથે થયો અને પછી તે મારિયમ નવાઝ અને ઇન્ટેલિજન્સ અધિકારી શાકિર રાણા સુધી પહોંચી. શાકિર રાણાએ જ તેને જાસૂસીની તાલીમ અપાવી.
રિપોર્ટર : સૌરભ સિંહ