રાજકોટ: રાજકોટ શહેરમાં સાયબર ગુનાનો એક વધુ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પરની નિર્દોષ દેખાતી પ્રવૃત્તિ કેવી રીતે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ શહેરના કાલાવડ રોડ વિસ્તારની 24 વર્ષીય પરિણીતાએ ભોગવ્યું છે.
યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પતિ સાથે તેમજ પોતાના એકલાં ફોટા અને વીડિયો શેર કર્યા હતા. એકાઉન્ટ ઓપન હોવાને કારણે એક અજાણ્યા સાયબર ભેજાબાજે આ ફોટા ડાઉનલોડ કરી લીધા હતી અને ત્યારબાદ યુવતીના ફોટા સાથે જાતીય ઓફરો આપતા મેસેજ સોશિયલ મીડિયા પર ફેલાવ્યા હતા.
આ ફોટા અને તેમા લખાયેલી અશ્લીલ કોમેન્ટ યુવતીના પતિના મિત્ર સુધી પહોંચી ગઈ હતી. તે મિત્રએ તરત જ યુવતીને જાણ કરી અને સ્ક્રીનસોટસ પણ મોકલ્યા. આ જોઈને યુવતી તથા તેનો પતિ દંગ રહી ગયા અને તરત જ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ભેજાબાજ યુઝર દ્રારા ખાસ લિંક મારફતે યુવતીના ફોટા કોપી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સોશ્યલ મીડિયા પર તેઓ યુવતીને કોલગર્લ તરીકે પ્રોજેક્ટ કરતા મેસેજો સાથે શેર કરવામાં આવ્યા હતા. આ હકીકત સામે આવતા હવે પોલીસ એ દુષિત ઈરાદાવાળા શખ્સની શોધખોળ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા કિસ્સામાં ભૂલથી પૈસા પેઈ કરનારને તરત જ મોર્ફ કરેલા ફોટો સાથે નકલી વીડિયો કોલ કરી વધુ નાણાં પડાવવાના પ્રયાસ થાય છે. આ માટે સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની પ્રાઈવસી સેટિંગ્સ સખત રાખવી અને અજાણ્યા યુઝર્સ સામે સાવચેત રહેવું જરૂરી છે.