વિશ્વ ટીબી દિવસ (World TB Day) નિમિત્તે ભારતને 23 માર્ચ 2025 સુધીમાં ટીબી મુક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે વર્ષ 2024માં ટીબી નાબૂદીના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. નીતિ આયોગે નિર્ધારિત કરેલા લક્ષ્યના 95%ની નજીક પહોંચીને રાજ્યએ ટીબી દર્દીઓની ઓળખ અને સારવારમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને સારવાર પૂર્ણ કરવાનો દર 91% સુધી પહોંચ્યો છે, જે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગુજરાતને 2024માં 1,45,000 ટીબી દર્દીઓને શોધીને તેમની નોંધણી કરવાનું લક્ષ્ય મળ્યું હતું. આની સામે રાજ્યએ 1,37,929 દર્દીઓની ઓળખ કરી અને તેમની નોંધણી પૂર્ણ કરી. આ ઉપરાંત, 1,24,581 દર્દીઓએ સારવાર સફળતાપૂર્વક પૂરી કરી, જેના પરિણામે સારવાર સક્સેસ રેટ 90.52% રહ્યો. રાજ્યએ નોંધાયેલા દર્દીઓમાંથી 1,31,501 લોકોને સારવારની સુવિધા પણ પૂરી પાડી છે.
ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ ₹43.9 કરોડની સહાય અપાઈ
ગુજરાત સરકારે ટીબીના દર્દીઓને આર્થિક રીતે મદદ કરવા માટે નિક્ષય પોષણ યોજના હેઠળ મહત્વનું પગલું ભર્યું છે. આ યોજના અંતર્ગત દર્દીઓને દવાની સાથે દર મહિને ₹500ની સહાય આપવામાં આવે છે, જેથી નાણાંકીય સમસ્યાઓના કારણે સારવાર અધવચ્ચે ન અટકે. વર્ષ 2024માં 1,18,984 દર્દીઓને આ યોજના હેઠળ ₹43.9 કરોડની રકમ ફાળવવામાં આવી. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે 1 નવેમ્બર 2024થી આ સહાયને વધારીને ₹1000 કરી દીધી છે, જે દર્દીઓ માટે વધુ ફાયદાકારક સાબિત થશે.
નિક્ષય મિત્રોની મદદથી 3.49 લાખ પોષણ કિટનું વિતરણ
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ગુજરાતે 10,682 નિક્ષય મિત્રોને જોડ્યા છે, જેમણે નિક્ષય પોર્ટલ પર નોંધણી કરીને 3,49,534 પોષણ કિટનું વિતરણ કર્યું છે. આ પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ટીબીના દર્દીઓને દવાઓની સાથે પોષણ પણ પૂરતું મળે. આ કામગીરીમાં ગુજરાતે દેશભરમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જે રાજ્યની સમર્પણ ભાવનાને દર્શાવે છે.
100 દિવસીય ટીબી અભિયાનમાં ગુજરાતની આગેવાની
ભારત સરકારે 7 ડિસેમ્બર 2024થી શરૂ કરેલા “100 દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાન”માં ગુજરાતે ઝડપથી પ્રગતિ કરી છે. આ અભિયાન હેઠળ 16 જિલ્લાઓ અને 4 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામગીરી શરૂ કરવામાં આવી. 20 માર્ચ 2025 સુધીમાં 35.75 લાખ લોકોનું ટીબી પરીક્ષણ થયું, જેમાંથી 16,758 નવા દર્દીઓ મળી આવ્યા અને તેમની સારવાર શરૂ કરાઈ. આ અભિયાન ટીબીની વહેલી શોધ અને સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
લાયન્સ ક્લબ સાથે જોડાણથી દર્દીઓને ફાયદો
ગુજરાત સરકારે 6 માર્ચ 2025ના રોજ લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ સાથે એક સમજૂતી કરાર કર્યો છે, જેનો ઉદ્દેશ ટીબી દર્દીઓને દર મહિને પોષણ કિટ પૂરી પાડવાનો છે. આ સહયોગથી દર્દીઓને દત્તક લઈને તેમને પોષણ સહાય આપવામાં આવશે, જે રિકવરી દરમાં સુધારો લાવશે. લાયન્સ ક્લબ આ કાર્યમાં મહત્વની ભૂમિકા નિભાવશે.
આ રીતે ગુજરાતે ટીબી નાબૂદીના ક્ષેત્રે દેશમાં મોખરે રહીને ઉદાહરણ પૂરું પાડ્યું છે.