pm surya ghar yojana gujarat: સૌર ઊર્જાના ક્ષેત્રમાં સતત આગવી ઓળખ ધરાવતા ગુજરાતે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ રાજ્યએ ‘પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના’ના અમલીકરણમાં સમગ્ર દેશને પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું છે.
રાજ્યના 3.36 લાખ ઘરોમાં સોલર પેનલ સ્થાપિત
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. (GUVNL) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, 11 મે 2025 સુધી રાજ્યમાં કુલ 3.36 લાખ સોલર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવામાં આવી છે, જે દેશના કુલ ઇન્સ્ટોલેશનના 34% છે. રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 3.05 લાખનો લક્ષ્યાંક સમય કરતાં વહેલો પૂરો કર્યો છે.
3.03 લાખ નાગરિકોને ₹2362 કરોડની સબસિડી
આ યોજનાથી રાજ્યના 3.03 લાખ નાગરિકોએ લાભ મેળવનાર તરીકે નોંધણી કરાવી છે અને તેમને ₹2362 કરોડની સબસિડી આપવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં આ યોજનાથી જોડાયા છે.
ટોપ પાંચ રાજ્યમાં ગુજરાત પહેલા ક્રમે
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર 1.89 લાખ ઇન્સ્ટોલેશન સાથે બીજા ક્રમે, ઉત્તર પ્રદેશ 1.22 લાખ સાથે ત્રીજા ક્રમે, કેરળ અને રાજસ્થાન ચોથા અને પાંચમા ક્રમે છે.
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો
GUVNL મુજબ, ગુજરાતમાં સ્થાપિત સોલર રૂફટોપ પેનલ્સ દ્વારા 1232 મેગાવોટ ઊર્જા ઉત્પન્ન થઈ છે. આ થકી 1284 મેટ્રિક ટન કોલસાની બચત તેમજ 1504 મેટ્રિક ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.
યોજના શું છે અને કોણ લાભ લઈ શકે?
આ યોજના ફેબ્રુઆરી 2024માં શરુ કરવામાં આવી હતી. ત્યારથી દેશભરમાં 300 યુનિટ મફત વીજળીના લાભ સાથે 3kW સુધીના રૂફટોપ પેનલ માટે ₹78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. રસ ધરાવતાં નાગરિકો https://pmsuryaghar.gov.in પર અરજી કરી શકે છે.
વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીથી સફળતા
આ સફળતામાં ગુજરાતના વહીવટીતંત્ર, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ અને જનતાની ભાગીદારીનો મોટો ફાળો રહ્યો છે. સમગ્ર રાજ્યમાં યોજનાને લઈ જનજાગૃતિ અભિયાન ચલાવાયું હતું, જેના પરિણામે અરજદારોની સંખ્યા ઝડપથી વધી અને ગુજરાત નવીનીકરણીય ઊર્જાના મૉડલ રાજ્ય તરીકે ઊભર્યું.