હડતાળ પર કોઈ અસર નહીં, કર્મચારીઓનો વિરોધ યથાવત
ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ છઠ્ઠા દિવસે પણ યથાવત રહી છે. રાજ્ય સરકારે ESMA (Essential Services Maintenance Act) લાગુ કર્યો હોવા છતાં કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચવાનો ઈનકાર કર્યો છે. 33 જિલ્લાના પંચાયત સેવાના હેલ્થ વર્કર સહિત 25,000થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે.
આજેય ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો. Gujarat State Health Employees Federationના નેતાઓએ સરકાર સામે ઉગ્ર લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
- ગ્રેડ પેમાં સુધારો
- ટેકનિકલ ગ્રેડપેમાં સમાવેશ
- ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ
- ટેકનિકલ કેડરમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય
સરકાર અને કર્મચારીઓ વચ્ચે બેઠકની શક્યતા
રાજ્ય સરકારે 24મી માર્ચે હડતાળ પરના કર્મચારીઓ સાથે બેઠક યોજી શકે છે. જોકે, ESMA લાગુ કર્યા છતાં હડતાળ યથાવત હોવાથી આરોગ્ય વિભાગે આંદોલનકારીઓને અંતિમ અલ્ટીમેટમ આપ્યું છે.
કર્મચારી મહાસંઘની ચીમકી, હડતાળ ઉગ્ર બનવાની સંભાવના
કર્મચારી મહાસંઘે સ્પષ્ટ કર્યું છે કે હવે દરરોજ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત રહી હડતાળ ચાલુ રાખશે. જો સરકાર સમાધાન પર નહીં આવે તો લડતને વધુ તીવ્ર બનાવવામાં આવશે.
પંચાયત કર્મચારીઓએ ત્રીજી નોટિસ બાદ જવાબ આપવાનો નિર્ણય લીધો
સરકારે હડતાળમાં જોડાયેલા કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપી છે. પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓએ ત્રીજી નોટિસ પછી જ સરકારને જવાબ આપવાનો નિર્ણય લીધો છે.
આંદોલન માટે 33 જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખો, મહામંત્રીઓ અને મુખ્ય કન્વીનરો ગાંધીનગરમાં હાજર રહેશે. જો સરકાર આજે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લે, તો આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશે.