ગાંધીનગર: રાજેશ સરકારે ગાંધીનગરથી એક મહત્વની જાહેરાત કરી છે જેમાં ગામ તળની બહાર વસવાટ કરતા પરિવારો માટે ત્રણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આજે પણ ગુજરાતના એવા ઘણા બધા ગામડાઓમાં પરિવારો એવા વિસ્તારમાં રહે છે જ્યાં ગામ તળની સરહદ બહાર ખેતર અથવા અન્ય જગ્યાઓ પર વસવાટ કરતા હોય છે. આવા પરિવારો માટે હવે વધુ સરળતા અને ઓછા ખર્ચે વીજળી મળવા માટે સરકારે નવી નીતિ અમલમાં મૂકી છે.
હવે મળશે 6 KW સુધીનું વીજ જોડાણ ફક્ત ફિક્સ ચાર્જમાં
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારસુધી ગામતળની બહાર રહેલા પરિવારોને ફક્ત 3 KW સુધીનું વીજ જોડાણ મળતું હતું, જે ખેતીવાડી ફીડર પરથી આપવામાં આવતું હતું અને તેની મહત્તમ કિંમત રૂ. 1 લાખ સુધી વહીવટદારો લેતા હતા. હવે નવા નિયમ મુજબ, 6 KW સુધીનું સિંગલ ફેઝ વીજ જોડાણ મળશે અને તે પણ માત્ર KW આધારિત ફિક્સ ચાર્જ ચૂકવવો પડશે. એટલે કે હવે ગામતળની બહાર રહેતા લોકો ઓછા ખર્ચે વધુ વીજળી મેળવી શકશે.
નોન એગ્રીકલ્ચરલ જમીનમાં પણ મળશે કનેક્શન
ઉર્જા વિભાગે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે જો કોઈ નાગરિક ગામતળની બહાર એવા મકાનમાં રહે છે જ્યાં જમીન ખેતી માટે નહિ પણ રહેઠાણ માટે વપરાય છે, અને ત્યાં ખેતીવાડી વીજ જોડાણ નથી, તો પણ હવે તેમને વીજળી મળશે. પણ પહેલા ટેકનિકલ ચકાસણી થશે – જેમ કે ગામથી અંતર કેટલું છે, આજુબાજુ વીજલાઇન છે કે નહીં, સલામતીનાં મુદ્દા, વીજ ચોરીનું જોખમ વગેરે તપાસીને અધિક્ષક ઈજનેર મંજૂરી આપશે. મંજૂરી મળ્યા બાદ આવા મકાનોને Non-AG ફીડર પરથી કોઈપણ લોડ મર્યાદા વગર વીજળી આપવામાં આવશે. આવું કનેક્શન બંચ કેબલ વડે મળશે.
સરકારી-જાહેર પ્રવૃત્તિઓ માટે પણ ફિક્સ ચાર્જથી કનેક્શન
દ્વિતીય મહત્વના નિર્ણય અંતર્ગત, રાજ્ય સરકારે કહ્યું કે હવે આશ્રમશાળાઓ, છાત્રાલયો, સરકારી-કેન્દ્ર સરકારની યુનિટ્સ, તેમજ પોલ્ટ્રી ફાર્મ, તબેલાં, ઝીંગા ફાર્મ, ગૌશાળા જેવી એકમો માટે પણ ફિક્સ ચાર્જના આધારે વીજળી મળશે. અગાઉ આ માટે આખો વાસ્તવિક ખર્ચ લેવામાં આવતો હતો, જે હવે નથી લેવાતો. હવે માત્ર KW આધારિત ફિક્સ ચાર્જથી આ પ્રકારના એકમોને વીજ જોડાણ મળશે. ખાસ કરીને અનાજ દળવાની ઘંટીઓ પણ હવે આ યોજનામાં આવરી લેવામાં આવી છે.
હવે 10 મકાનો હોય તો પણ જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજળી મળશે
ત્રીજા નિર્ણયો મુજબ, અગાઉ નોન-ટ્રાયબલ વિસ્તારમાં 15 મકાનોના જૂથ હોય ત્યારે જ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ મળતું હતું. પણ હવે રાજ્ય સરકારે આ મર્યાદા ઘટાડી 10 મકાનો કરી દીધી છે. એટલે કે હવે 10 મકાનોના જૂથ હોય તો પણ તેમને ગામતળની બહાર રહેતાં હોવા છતાં જ્યોતિગ્રામ ફીડર પરથી વીજળી આપવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ખાસ કરીને ગામતળની બહાર રહેતા ખેડૂતો, નાના ઉદ્યોગો અને સરકારી સંસ્થાઓને મોટી રાહત મળશે. ઓછી ખર્ચે વધુ વિજળી અને ઝડપી કનેક્શનથી ગ્રામીણ જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.