7 મેના રોજ ભારતે પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇકના પગલે બંને દેશોમાં તણાવ વધી રહ્યો છે. ખાસ કરીને પાકિસ્તાને ગઇકાલે ગુજરાતના કચ્છ વિસ્તારમાં ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ સમયસર નિષ્ફળ બનાવ્યો. આ ઘટના બાદ રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્કતા પર છે અને કચ્છમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભુજ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો છે અને કચ્છમાં બ્લેકઆઉટની સ્થિતિ જોવા મળી હતી. સરહદ સાથે લાગતા ગામોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે.
રાજ્ય સરકારે બોલાવી તાત્કાલિક બેઠક
તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આજે સવારથી જ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં “ઓપરેશન સિંદૂર”ને લઇને મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્ય સરકારે આરોગ્ય અને મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓની રજા અનિશ્ચિત મુદત માટે રદ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ છે કે હાલની પરિસ્થિતિ ગંભીર છે અને તાત્કાલિક સેવા વિભાગોનું યથાવત કાર્ય ફરજિયાત બની ગયું છે.
પોલીસ વિભાગની પણ તમામ રજાઓ રદ
રાજ્ય સરકારે સુરક્ષા પર વધુ ભાર મુકતો મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ, જવાનો અને સ્ટાફની રજાઓ પણ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. આ અંગે અધિકૃત પરિપત્ર પણ જાહેર થયો છે અને તમામ પોલીસ કર્મચારીઓને તરત ફરજ પર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના તમામ મહત્વના સ્થળો પર પેટ્રોલિંગ વધુ કરાયું છે. જિલ્લાવાર બોર્ડર વિસ્તારોમાં ચુસ્ત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી કોઇ પણ શંકાસ્પદ પ્રવૃતિ રોકી શકાય. રાજ્ય સરકારે તણાવ વચ્ચે કોઈ પણ તકદિરી ભૂલ ન થાય તે માટે તમામ તંત્રોને એક સાથે એક્શન મોડમાં મૂકી દીધા છે.