Uttar Pradesh crime: ગ્રેટર નોઈડાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, બે યુવતીઓને નોકરી અપાવવાનું બહાનું આપીને તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ એક યુવતીને મેરઠ લઈ જઈને તેની સાથે ગેંગરેપ કર્યો હતો, જ્યારે બીજી યુવતીએ વિરોધ કરતાં તેને ચાલુ કાર નીચે ફેંકી દીધી હતી, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ ખુર્જામાં કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ પીડિતાએ આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પીડિતા અને તેની સહેલી પ્રતાપગઢની રહેવાસી
પીડિતા મૂળ પ્રતાપગઢ જિલ્લાના ચિલવિલાની રહેવાસી છે અને નોઈડામાં તેના મામા સાથે રહે છે. પોલીસને આપેલી માહિતી અનુસાર, 6 મેના રોજ તેના પરિચિત અમિત નામના યુવકે તેને નોકરી અપાવવાની વાત કરી હતી અને તેની સાથે આવવાનું કહ્યું હતું. અમિતે જણાવેલી જગ્યા પર યુવતી તેની સહેલી સાથે પહોંચી હતી, જ્યાં અમિતે તેમને કારમાં બેસાડી દીધી હતી. અમિતની સાથે તેનો મિત્ર સંદીપ પણ હતો. ત્યારબાદ મોડી રાત્રે અમિતે તેના અન્ય એક સાથીને પણ કારમાં સાથે લઈ લીધો હતો.
યુવતીઓને બળજબરીથી શરાબ પીવડાવી
પીડિતાએ જણાવ્યું કે કારમાં આરોપીઓએ તેમને બળજબરીથી બીયર પીવડાવી હતી અને મેરઠ લઈ જઈને માર માર્યો હતો તેમજ ચાલુ કારમાં ગેંગરેપ કર્યો હતો. કિશોરીએ જણાવ્યું કે તેની સહેલીએ વિરોધ કર્યો તો તેને હાઈવે પર ચાલુ કારમાંથી ફેંકીને કચડી નાંખી હતી. ત્યારબાદ એક નિર્જન જગ્યાએ લઈ જઈને ત્રણેય આરોપીઓએ ફરીથી તેની સાથે ગેંગરેપ કર્યો હતો. સાત મેની સવારે જ્યારે ત્રણેય આરોપીઓ તેને ખુર્જા લઈ પહોંચ્યા ત્યારે તે કોઈક રીતે કારમાંથી ભાગી છૂટી હતી. ત્યારબાદ તેણે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી અને ફરિયાદ નોંધાવી હતી.
અપહરણ બાદ ગેંગરેપ
પોલીસે અથડામણ બાદ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ વિરુદ્ધ ખુર્જા કોતવાલીમાં અપહરણ, હત્યા અને ગેંગરેપની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, મેરઠમાં 9 મેની મોડી રાત્રે કારથી કચડાયેલી મૃતકાની ઓળખ થઈ ગઈ છે. બંને સહેલીઓ લગ્ન સમારોહમાં વેલકમ ગર્લ તરીકે કામ કરતી હતી.