ગુજરાત રાજ્ય સરકારે એસ.ટી. નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે હવે કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
એરિયર્સની ચુકવણી પણ થશે
મોંઘવારી ભથ્થામાં થયેલા આ વધારા સાથે, એરિયર્સના રૂપે પેન્ડિંગ રકમ ચૂકવવાનો પણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે આ પગલાથી કુલ રૂ. 125 કરોડથી વધુનો ખર્ચ કરવા તૈયારી બતાવી છે, જેનો સીધો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. આ સંદર્ભે મંત્રી હર્ષ સંઘવીએ X (ટ્વિટર) પર જાણકારી આપી છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં આ અંગે વિગતવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે.
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2025
કર્મચારીઓમાં ખુશીનો માહોલ
આ જાહેરાત બાદ એસ.ટી. નિગમના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોંઘવારી ભથ્થા કયા મહિના થી લાગુ થશે તે અંગે ચોક્કસ માહિતી હજી નથી મળી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે.
આ નિર્ણયની અસરથી રાજ્યના એસ.ટી. નિગમ ના કર્મચારીઓની આર્થિક સ્થિતિ સુધારવા મદદ મળશે.