બાળમિત્રો, તમને કદાચ નળિયાંવાળાં ઘરમાં રહેવાની તક મળી હશે તો તમે જોયું હશે કે છાપરાના નળિયાં વચ્ચેની કોઈ નાનકડી જગ્યામાંથી સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ ઘરમાં પ્રવેશે ત્યારે એ પ્રકાશ ચારે બાજુ ફેલાઈ જવાને બદલે નાનકડું ગોળાકાર ચાંદરડું રચે છે. મતલબ કે પ્રકાશનાં એ કિરણો નળિયામાંથી ઘરમાં પ્રવેશ્યા બાદ ચારે બાજુ દોડાદોડી કરવાને બદલે એક મર્યાદિત શેરડા રૂપે જ આગળ વધે છે.
હવે તો જોકે નળિયાંવાળાં ઘરોમાં બહુ ઓછા લોકો રહે છે. એટલે શક્ય છે કે તમે પેલું ચાંદરડું ન જોયું હોય. પણ ઠીક છે, આપણે આપણી રીતે, પ્રયોગ કરીને જોઈ શકીએ છીએ કે પ્રકાશનું કિરણ કઈ રીતે આગળ વધે છે. આ જાણવા માટે કરી જુઓ આ પ્રયોગ.
પ્રયોગ માટે શું શું જોઈશે?
ટોર્ચ,જાડો કાળો કાગળ, સેલોટેપ
પ્રયોગ શી રીતે કરીશું?
સ્ટેપ ૧: એક મસ્ત જાડો કાળો કાગળ લો. તે એટલો મોટો હોવો જોઈએ જેનાથી ટોર્ચનો આગળનો ભાગ ઢાંકી શકાય. આ કાગળમાં વચ્ચોવચ એક નાનકડું કાણું પાડો.
સ્ટેપ ૨: એક ચાલુ ટોર્ચ લો. હવે શહેરોમાં ટોર્ચનો વપરાશ એટલો ઘટી ગયો છે કે ઘરમાંની ટોર્ચ મોટે ભાગે પડીપડી બગડી જવાને કારણે કે પછી બેટરી ઊતરી જવાના કારણે ચાલતી હોતી નથી. એટલે પહેલાં તો એ ચેક કરી લો કે ટોર્ચ ચાલુ છે કે નહીં. એ ટોર્ચના આગળના કાચવાળા ભાગ પર કાળો કાગળ લગાવો. એ કાગળને કાચ પર ચપોચપ ચોંટાડવા માટે સેલોટેપનો ઉપયોગ કરો.
સ્ટેપ ૩: કમરાનાં બારી-બારણાં બંધ કરીને ડાર્ક રૂમ રચો. હવે ઘોર અંધકારમાં ટોર્ચ ચાલુ કરો અને એ જુઓ કે પ્રકાશ ક્યાં જાય છે અને કેટલો ફેલાય છે.
સ્ટેપ ૪: હવે ટોર્ચ પરથી કાણાંવાળો પેલો કાળો કાગળ હટાવી લો અને ખુલ્લી થયેલી ટોર્ચ ચાલુ કરીને જુઓ કે પ્રકાશ ક્યાં જાય છે અને કેટલો ફેલાય છે.
આટલું કર્યા પછી તમે શું જોશો?
તમે જોશો કે ટોર્ચ પર જ્યારે કાળો કાગળ લગાવેલો હતો ત્યારે તેમાંના નાનકડા છિદ્રમાંથી પસાર થતો પ્રકાશ એકદમ મર્યાદિત વિસ્તારમાં જ ફેલાયો હતો, પરંતુ કાગળ હટાવી લીધા પછી, ટોર્ચનો આખેઆખો કાચ ખુલ્લો થયા પછી પ્રકાશ પ્રમાણમાં વધુ મોટા વિસ્તારમાં ફેલાતો જોવા મળે છે.
આવું શા માટે થયું?
ટોર્ચનો આખો કાચ ખુલ્લો હોય ત્યારે કમરાનો એક મોટો હિસ્સો પ્રકાશિત થાય છે અને કાચ ઢંકાયેલો હોય અને ફક્ત કાગળના એક છિદ્રમાંથી જ પ્રકાશ પસાર થાય ત્યારે તે કમરાના ટચૂકડા હિસ્સાને જ પ્રકાશિત કરે છે. તેના પરથી સાબિત થાય છે કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે.
એમ તો ખુલ્લી ટોર્ચનો શેરડો પણ આખા રૂમમાં ફેલાવાને બદલે અમુક ચોક્કસ ભાગમાં જ ફેલાય છે. તે પણ સૂચવે છે કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે.
અહીં સવાલ એ થાય કે દીવો કે લેમ્પ આખા કમરાને કઈ રીતે અજવાળે છે? શું દીવા-લેમ્પનો પ્રકાશ સીધી લીટીમાં આગળ વધવાને બદલે ચારે બાજુ દોડાદોડી કરે છે? ના, દીવા-લેમ્પનો પ્રકાશ પણ સીધી લીટીમાં જ ગતિ કરે છે, પરંતુ તેમાંથી બધી બાજુએ પ્રકાશનાં કિરણો છૂટતાં હોવાથી એ આખા કમરાને અજવાળે છે. મતલબ કે છેવટે તો લેમ્પમાંથી નીકળતાં કિરણો પણ પોતપોતાની રીતે સીધી લીટીમાં જ આગળ વધતાં હોય છે.
છેલ્લે, એક રસપ્રદ આડવાત. તમે સ્કૂલેથી સીધા રસ્તે ઘરે જાવ તો જલદી ઘરે પહોંચો અને આડાઅવળાં ફરતાં-ફરતાં ઘરે આવો તો ઘરે પહોંચતા વાર લાગે એ તો તમે જોયું જ હશે, જાણ્યું જ હશે. એ જ રીતે, કોઈ પણ ચીજ સીધી લીટીમાં ઝડપથી આગળ વધે અને આડીઅવળી ચાલે તો ધીમી પડી જાય. એ હિસાબે, પ્રકાશનાં કિરણો સીધી લીટીમાં ગતિ કરતાં હોવાને લીધે તેમની સ્પીડ પણ જોરદાર હોય છે. બોલો, કેટલી હોય છે પ્રકાશની સ્પીડ? જવાબ છેઃ એક સેકન્ડમાં ૨,૯૯,૭૯૨ કિલોમીટર.