રાજ્યભરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી પોતાની માંગણીઓને લઈને લડત આપી રહ્યા છે. આ કડીમાં, 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા રાજ્યના લગભગ 20,000 આરોગ્ય કર્મચારીઓ, જેમાં કચ્છના 700 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, તેમને હવે આરોગ્ય વિભાગ અને જિલ્લા પંચાયત તરફથી કડક નોટિસો મળવાનું શરૂ થયું છે. આ નોટિસોને કારણે કર્મચારીઓમાં ભાઈનો માહોલ સર્જાયો છે, અને કેટલાક ફિક્સ પગારના કર્મચારીઓએ તો ફરજ પર પાછા હાજર થવાનું શરૂ પણ કરી દીધું છે.
જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલી આ નોટિસોમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે, “તમે 17 માર્ચથી અત્યાર સુધી બિનઅધિકૃત રીતે ગેરહાજર છો. તમારી નોકરીનો હેતુ લોકોના જીવન અને સલામતીને સુનિશ્ચિત કરવાનો છે, જેનો કોઈ વિકલ્પ નથી. તમારી ગેરહાજરીથી જનતાના જીવન પર સીધી અસર પડી રહી છે, જે એક પંચાયત કર્મચારી તરીકેની તમારી જવાબદારી સાથે મેળ ખાતું નથી.” નોટિસમાં વધુમાં ઉમેરાયું છે કે આવું વર્તન ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમોનું ઉલ્લંઘન છે. કર્મચારીઓને એક દિવસનો સમય આપીને લેખિતમાં ખુલાસો માગવામાં આવ્યો છે, અને ખુલાસો નહીં મળે તો શિક્ષાત્મક પગલાં લેવાની ચીમકી પણ આપવામાં આવી છે.
આ નોટિસોના જવાબમાં કર્મચારીઓમાં બેવડી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ ઘણા કર્મચારીઓમાં નોકરી ગુમાવવાનો ડર ફેલાયો છે, જ્યારે બીજી તરફ કેટલાકે ફરજ પર પાછા ફરવાનું પસંદ કર્યું છે. આ હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પર પણ અસર પડી રહી હોવાની ચર્ચા છે, જેના પર હવે સરકારનું ધ્યાન કેન્દ્રિત થયું હોય તેમ લાગે છે.