રાજકોટ ખાતે 6 જૂન, શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુલ 56 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. રાજ્ય સરકારના તંત્ર દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. મુખ્યત્વે રેસકોર્સ વિસ્તારમાં આવેલ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી આર્ટગેલેરીનું લોકાર્પણ મુખ્યમંત્રી કરશે. આ ગેલેરી રૂ.5.90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
આ નવીનતમ આર્ટગેલેરી શરૂ થતા શહેરના કલાકારો અને આયોજકોને એક ઉત્તમ પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે. આ સ્થાન પર આગામી સમયમાં વિવિધ એક્ઝિબિશન અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન શક્ય બનશે.
આ સાથે મુખ્યમંત્રી રાજકોટ મહાપાલિકા હસ્તકના અનેક વિકાસકાર્યો માટે ખાતમુહૂર્ત પણ કરશે જેમાં વોર્ડ નં.4ના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોકના કામો, મેટલિંગ કામગીરી, વોર્ડ નં.2માં પાર્ટી પ્લોટ અને શાળા બિલ્ડિંગનું કામ, વોર્ડ નં.7માં શાળાના રિનોવેશન અને રેટ્રોફિટિંગ કાર્ય તેમજ ઘંટેશ્વર ગામતળમાં પાઈપલાઈનનું કામ સામેલ છે.
આ ઉપરાંત શહેરના વોર્ડ નં.1થી 18માં વિવિધ સ્થળોએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે બોર અને બોર રિચાર્જ સિસ્ટમ લગાવવાનું આયોજન પણ મુખ્યમંત્રીએ ખાતમુહૂર્તથી આરંભશે.
આર્ટગેલેરી શરૂ થતાં પહેલાંજ ગંદકીનો પ્રશ્ન ઉદભવ્યો!
જોકે લોકાર્પણ પૂર્વે જ રેસકોર્સ ખાતે આવેલી ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી આર્ટગેલેરીની સામે કચરાના ઢગલા જોવા મળતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ગેલેરી હજુ જાહેર ઉપયોગ માટે ખુલવાની છે, ત્યારે સ્વચ્છતાને લઈ ગંભીર સ્થિતિ ઉદભવે છે તો ભાવિમાં કેવી સ્થિતિ રહેશે? એવો સવાલ ઊભો થાય છે. તંત્રએ તાત્કાલિક આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે.