ગાંધીનગર: ગુજરાતના તમામ પ્રાથમિક શાળાઓમાં હવે દરેક શનિવારે બેગલેસ ડે મનાવવામાં આવશે, જેમાં બાળકો માટે રમતગમત અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર અમલી કર્યો છે. મહિનામાં આવતા દરેક શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈને આવવાનું રહેશે નહીં. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને શાળામાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ દિવસ ને જુલાઈ મહિનાથી જ લાગુ કરવા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે.
નવી એજ્યુકેશન પોલીસી 2020 અને એન સી એફ-એસઈ 2023 પ્રમાણે સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ એક થી આઠ ના બાળકોને મનોસારીક વિકાસ તેમજ રમતગમત, યોગ, સંગીત, ચિત્ર પ્રવૃત્તિ તેમજ બાલ સભા જેવી બાબતોનો સમાવેશ કરવા બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની વિવિધ પ્રવૃત્તિઓ દર શનિવારે કરાવવા માટે આદેશ કરાયા છે.