ભારત માટે એક ગૌરવની વાત છે, મંગળવારે ગીતા પર હાથ રાખીને કેનેડાના વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા અનિતા આનંદ બન્યા છે. તેમણે ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા.
કેનેડાની રાજકારણની દુનિયામાં મંગળવારે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ જ્યારે ભારતીય મૂળની અનિતા આનંદે કેનેડાના નવા વિદેશ મંત્રી તરીકે શપથ લીધી. ખાસ વાત એ રહી કે તેમણે ગીતા પર હાથ રાખીને શપથ લીધી, જે માત્ર હિન્દુ ઓળખનો નહીં પણ તેમની જાત-સંસ્કૃતિ સાથેની લાગણી નું પણ પ્રતીક છે. તેઓ કેનેડાના વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા છે, જે ખરેખર ભારત માટે ગૌરવની વાત છે.
અનિતા આનંદનો જન્મ કેનેડાના નોવા સ્કોટીયાના કેન્ટવિલે શહેરમાં થયો હતો. તેમના પિતા તમિલનાડુ અને માતા પંજાબથી હતા. બંને વિદ્વાન ડૉક્ટર હતા. અનિતાના પરિવારમાં શિક્ષા અને સેવા ભાવના ગાઢ રીતે વસેલી છે. તેમની બહેન ગીતા આનંદ ટોરોન્ટોમાં વકીલ છે જ્યારે બીજી બહેન સોનિયા મેકમાસ્ટર યુનિવર્સિટીમાં સંશોધક અને ચિકિત્સક તરીકે કાર્યરત છે.
મજબૂત ભૂમિકા સાથે નવી જવાબદારી
કાર્નેની નવી સરકારમાં અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે મેલાની જોલીની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ સંરક્ષણ મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે અને તેમની કાર્યક્ષમતા પ્રસિદ્ધ રહી છે.
અન્ય નવી નિમણૂકોની વાત કરીએ તો મેલાની જોલીને હવે ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેને નાણામંત્રી તરીકે પોતાનું પદ જાળવી રાખ્યું છે અને ડોમિનિક લેબ્લેન્કને વેપાર મંત્રી બનાવવામાં આવ્યા છે.
કાર્નેને ચૂંટણી જીત્યા પછી જણાવ્યું હતું કે કેનેડાની નવી સરકાર યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સબળ અને વ્યાખ્યાયિત આર્થિક તેમજ સુરક્ષા સંબંધો ઊભા કરવાની દિશામાં કામ કરશે. 27 મેના રોજ કિંગ ચાર્લ્સ સંસદમાં સરકારની અગત્યની પ્રાથમિકતાઓ અંગે ભાષણ આપશે, જેના માધ્યમથી આગામી કાર્યકાળની દિશા નક્કી થશે.