નડિયાદ, આણંદ: ગુજરાત રાજ્ય પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરી છે. ઘણા સમયથી સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા, કર્મચારીઓએ 17 માર્ચથી હડતાળ પર જવાની ફરજ પડી.
ખેડા જિલ્લાના 10 તાલુકાના 630 અને આણંદ જિલ્લાના 7 તાલુકાના 500 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે, જેનાથી ગ્રામ્ય આરોગ્ય સેવાઓ ખોરવાઇ ગઈ છે.
સગર્ભા મહિલાઓના રસીકરણ અને નોંધણી પર અસર, જ્યારે સર્વેલન્સ, મેલેરિયા, ટીબી, ચિકનગુનિયા જેવા કાર્યક્રમનું કાર્ય પણ ઠફ થયું છે.
આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
- એમ.પી.એચ.ડબ્લ્યૂ. સહિતના કર્મચારીઓને ટેકનિકલ કેડરમાં સામેલ કરવા
- ગ્રેડ-પેમાં સુધારો
- ખાતાકીય પરીક્ષા રદ કરવા
- સ્ટાફ નર્સ (પંચાયત) કેડરના નાણાકીય-વહીવટી પ્રશ્નોનું નિરાકરણ
ગાંધીનગરમાં અગાઉ પણ આ મામલે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, પણ સરકાર તરફથી કોઈ ઠોસ કાર્યવાહી ન થતા હડતાળનો રસ્તો અપનાવવામાં આવ્યો. જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય, ત્યાં સુધી હડતાળ યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો છે.