દુરસંચાર ક્ષેત્રની બે મુખ્ય કંપનીઓ – ભારતી એયરટેલ અને વોડાફોન આઇડિયા –ને આજે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. બંને કંપનીઓએ AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) બાકી ચૂકવણી પર વ્યાજ અને દંડ અંગે રાહત માગતી અરજીઓ દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે “ખોટી રીતે તૈયાર કરેલી” ગણાવીને ફગાવી દીધી છે.
આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે વોડાફોન આઇડિયા પોતાની નબળી નાણાકીય સ્થિતિ દર્શાવી પોતાના અસ્તિત્વ માટે AGR પર 45,000 કરોડથી વધુની રાહત માગતી હતી. એયરટેલે પણ તેની હેક્સાકોમ યુનિટ સાથે મળીને કુલ 34,745 કરોડ રૂપિયાની રાહત માગી હતી.
શું છે એયરટેલની દલીલ?
એયરટેલે અરજીમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોર્ટના પૂર્વના નિર્ણયો સામે નથી, પરંતુ તેમની માંગ માત્ર દંડ અને વ્યાજના બોજમાંથી રાહત મેળવવાની છે. તેઓએ દલીલ કરી હતી કે 2020ના સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સમગ્ર ટેલિકોમ ક્ષેત્ર નાણાકીય દબાણમાં છે.
એયરટેલ મુજબ, મૂળ AGR બાકી 9,235 કરોડ છે પરંતુ વ્યાજ (21,850 Cr), દંડ (3,995 Cr) અને દંડ પર વ્યાજ (8,900 Cr) સાથે કુલ 43,980 કરોડની થતી બાકી છે. DOT અનુસાર 31 માર્ચ સુધી આ બાકી 38,397 Cr છે.
વોડાફોન આઇડિયાની વાજબી ચિંતા
વોડાફોન આઇડિયાએ 83,400 કરોડની AGR દેવાની દલીલ સાથે અરજી કરી હતી. જેમાંથી 12,797 Cr મૂળ, 28,294 Cr વ્યાજ, 6,012 Cr દંડ અને 11,151 Cr દંડ પર વ્યાજ છે. કંપનીએ ચેતવણી આપી કે રાહત ન મળે તો તેની સેવા બંધ થવાના એંધાણ છે અને તેના 20 કરોડ ગ્રાહકો અસરગ્રસ્ત થઇ શકે છે.
સરકાર દ્વારા કંપનીના 39,000 Cr બાકીનું ઇક્વિટી રૂપાંતરણ કરવામાં આવ્યું છે, છતાં પણ 1.19 લાખ કરોડના બાકીદારો હજુ બાકી છે.
અગાઉ પણ અરજી ફગાવાઈ હતી
ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે AGR ગણતરીમાં ભૂલો સુધારવાની માંગ કરતી રિવ્યુ અને ક્યુરેટિવ પિટિશન્સને પણ ફગાવી દીધી હતી. 2020ના ચુકાદા અનુસાર, ટેલિકોમ કંપનીઓએ 1.47 લાખ કરોડ AGR ચૂકવવાનું છે. જે પૈકી 75% રકમ વ્યાજ અને દંડરૂપે છે.
કોર્ટએ 31 માર્ચ 2021 સુધી 10% ચુકવણી કરી 10 વર્ષમાં બાકી ચુકવવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે કોઇ ભૂલ કે ચૂક પર કડક કાર્યવાહી કરવામાં આવશે.