અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયા બાદ થોડી જ વારમાં ક્રેશ થઈ હતી. મળતી માહિતી મુજબ વિમાનમાં કુલ 180 મુસાફરો સવાર હતા, જેમાંથી 150થી વધુના મોત થયા છે. સૌથી દુઃખદ સમાચાર એ છે કે વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતાં અને આ દુર્ઘટનામાં તેમનું નિધન થયું છે.
વિજય રૂપાણીનું નામ મુસાફર યાદીમાં 12મા ક્રમે
વિજય રૂપાણી બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતાં. ફ્લાઇટના બોર્ડિંગ પાસ અને મુસાફર યાદી મુજબ તેમનું નામ 12મા ક્રમે નોંધાયેલું હતું. તેઓ એરપોર્ટ પર સવારે 11 વાગ્યે પહોંચ્યા હતાં અને પહેલી હરોળમાં બેઠા હતાં. ફ્લાઇટ ટેકઓફ થયા બાદ થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ.
જાણવામાં આવ્યું કે…
વિજય રૂપાણી દુર્ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ થયા હતાં અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જોકે, અનેક પ્રયાસો છતાં તેમનું જીવતંત્ર બચાવી શકાયું નહોતું. રાજ્યસભાના સાંસદ પરિમલ નાથવાણીએ તેમના અવસાનની પુષ્ટિ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા
આ દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. રાજકીય જગત સહિત સમગ્ર ગુજરાતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
લંડન જતી ફ્લાઈટમાં સવાર હતા રૂપાણી
વિજય રૂપાણી લંડન જતી ફ્લાઈટમાં સવાર હતા. તેમની દીકરી રાધિકા અને જમાઈ નિમિત બંને લંડનમાં રહે છે અને ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે. તેઓ ત્યાં તેમની દીકરીને મળવા માટે જઈ રહ્યા હતાં.