અમદાવાદમાંથી દયા ડાકણને ખાય તેવો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ધરા પટેલએ તેમના પતિ હરીન પટેલ અને સંતાનો સાથે 22 મેના રોજ દ્વારકા પ્રવાસ પર ગયા હતા અને 25 મેના રોજ રાત્રે 9 વાગ્યે તેમના અમદાવાદ સ્થિત ઘેર પરત ફર્યા હતા.
ઘર પહોંચતા જ તેમને અંદર અનિચ્છનીય ઘટના ઘટી હોય તેવા સંકેત મળ્યા. તપાસ કરતા જાણવા મળ્યું કે ઘરમાંથી રોકડ અને દાગીનાની કુલ 19 લાખથી વધુની ચોરી થઈ છે. તરત જ ધરા પટેલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો.
પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી અને ઘરઘાટી તરીકે કાર્યરત રહેલી ભૂમિકા સોલંકીને શંકાના આધારે પકડી પુછપરછ હાથ ધરી. પૂછપરછ દરમિયાન ભૂમિકા એ ગુનો કબૂલ કર્યો અને જણાવ્યું કે તેણે મોજશોખ માટે આ ચોરીને અંજામ આપી હતી.
પોલીસે આરોપી પાસે સોનાના દાગીના અને 50 હજાર રૂપિયાની રોકડ કબ્જે લીધી છે. વધુમાં તપાસ ચાલી રહી છે કે આરોપી દ્વારા અન્ય ક્યાંક ચોરી તો કરાઇ નથી ને?
આ બનાવ ફરીથી એ સબક આપે છે કે દયા કરતી વખતે પણ સાવધ રહેવું જરૂરી છે, ખાસ કરીને જ્યારે આપણે કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરમાં દાખલ કરીએ છીએ.