સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે કાર્યકરોનો આક્રોશ

સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે કાર્યકરોનો આક્રોશ

તા.૨૬/૦૭/૨૦૨૫ ના રોજ ઘરશાળા, સુરેન્દ્રનગર ખાતે જેએસએ ઈન્ડિયા, ગુજરાત આયોજીત બેઠકમાં   ચુડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીમડી, થાન, વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરની બિન-સરકારી સંગઠનોના પ્રતિનીધીઓ, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સમાજસેવીઓ, અને સીલીકોસીસ પીડીતો એ ભાગ લઇ જીલ્લાની સરકારી આરોગ્ય સેવાઓની લઈને ચિંતન મનન કર્યું હતું. 

બેઠકની શરૂઆતમાં પીટીઆરસી તરફથી ચિરાગભાઇએ સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી સરકારી આરોગ્ય સેવાના કારણે નાગરિકોને ભોગવવી પડતી સમસ્યાઓ વિશે વાત કરી.  અતિ ગરીબ અને શૂન્ય આવક ધરાવતા સીલીકોસીસ દર્દીઓને જિલ્લા સીવીલમાં સારવાર, નિદાન કે સર્ટિફિકેટની સેવા આપવામાં આવતી નથી તે માટે તેને રાજકોટ હોસ્પીટલ ધકેલી આપવામાં આવે છે. કેટલાક દર્દીઓ નાણાંના અભાવે રાજકોટ પહોંચી શકતા નથી અને સેવાઓથી વંચીત રહેવા પામે છે. સુરેન્દ્રનગરમાં ૬ મહિનાથી ૫૯ મહીના સુધીના દરેક બાળકોમાં ૧૦૦ માંથી ૮૧ બાળકોને લોહીની ઉણપ છે. યુવતીઓમાં ૧૫ થી ૧૯ વર્ષની દરેક ૧૦૦ માંથી ૫૭ યુવતીઓ એનિમિક છે. 

થાનના દર્શનભાઈએ જણાવ્યું કે થાન સામુહીક આરોગ્ય કેંદ્રમાં પ્રાથમિક સુવીધાના ઘણા પ્રશ્ન છે. હોસ્પીટલમાં મચ્છરનો ઉપદ્રવ વધારે છે એટલે કે મચ્છરજન્ય રોગો થવાની સંભાવના છે. કેન્દ્રમાં પુરુષ વોર્ડ જ નથી. પુરુષ માટે ફક્ત ૨ કે ૩ જ બેડ છે. સ્ટાફની અછતને કારણે દર્દીઓને હેરાનગતી ભોગવી પડે છે. પૂરતી દવાઓ નથી. પી એમ રૂમ છે પણ દર્દી ગુજરી જાય તો પોસ્ટમોર્ટમ અહીં થતું નથી. કેન્દ્રમાં કોવીડ સમયના ઓક્સીજન મશીનો ધુળ ખાતા પડી રહ્યા હોવા છતાં થાનના સીલીકોસીસ પીડીતોને જરુર હોવા છતાં આપવામાં આવતા નથી. શનિવારે તો હોસ્પીટલ સ્ટાફ આવતા જ નથી અને આવે તો સહી કરીને ચાલ્યા જાય છે. ૧૦૮ની સુવિધાઓ નથી, મેડિકલ સાધનો પૂરતા નથી. એક્સરે મશીન તો સાવ ખખડધજ છે જે નવું આપવું જોઇએ.

લીમડીથી આવેલ સહભાગીએ કહ્યું કે લીમડીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો અભાવ છે. આ અકસ્માત ઝોન હોવાથી ઘણા અકસ્માત થાય છે પરંતુ ત્યાં ઓર્થોપેડીક ડૉક્ટર જ નથી. ગંભીર અકસ્માતમાં મળવી જોઈએ તે તાત્કાલિક સારવાર ન મળવાને કારણે અનેક નાગરીકો મોતને ભેટે છે. 

રાણાગઢના વતનીએ પોતાના ગામની વ્યથા રજુ કરતાં જણાવ્યું કે અહીં ગર્ભવતી મહિલાઓને પૂરતી સારવાર નથી મળતી. આવી મહિલાઓને જિલ્લા હોસ્પીટલ રીફર કરી નાખે છે. જિલ્લા હોસ્પીટલ દૂર હોવાથી ગર્ભવતી મહીલાને જોખમ રહે છે. ગર્ભવતી મહિલાને ડીલવરી બાદ ૨૧ દિવસમાં મળતો લાભ દોઢ વર્ષ બાદ પણ મળ્યો ન હોય તેવા દાખલા છે. તે માટે ૫ થી વધુ વાર રજુઆતો કરી હોવા છતાં લાભ ચુકવાતો નથી. સવાલ એ છે કે આ લાભ કોણ ચાંઉ કરી ગયું.  

રાણાગઢના ગણેશભાઈને પોતાને એપેન્ડીક્ષનું ઓપરેશન બાદ જ્યારે ડ્રેસિંગ માટે પીએચસી જાય છે ત્યારે ત્યાંનો સ્ટાફ ડ્રેસીંગ નહિ થાય તેમ ચોખ્ખું ફરમાવી દે છે.  શું ડ્રેસીંગનો સામન જ નહિ આપવામાં આવતો હોય? શું આવો સામાન બજારમાં પગ કરી જતો હશે? શું આ સ્ટાફને તે માટે તાલીમ આપવામાં આવી નહી હોય? કે સ્ટાફની દાનત જ નહી હોય? 

ધ્રાંગધ્રાના મહબૂબભાઈએ રાજસ્થાનમાં સીલીકોસીસ દર્દીને જીવતે જીવત પેન્શન આપવામાં આવે છે તેમ ગુજરાત સરકાર પણ પોલિસી બનાવી સીલીકોસીસ પીડીતોને લાભ આપવા માગણી કરી. 

નવસર્જનના નટુભાઈએ જણાવ્યું કે કોટન મિલના કારખાનામાં કામ કરતાં કામદારોને પણ ફેફસાંની બીમારી જોવા મળે છે. વારંવાર ટીબીની દવા લીધા બાદ પણ બીમારીમાં ફરક પડતો નથી.

જન સ્વાસ્થ્ય અભિયાન ઈન્ડિયા (JSA INDIA)ના સંયોજક અમૂલ્ય નીધીએ જણાવ્યું કે સીલીકોસીસ બહુ જ જૂની બીમારી છે તે ઇજીપ્તની સભ્યતા દરમ્યાન પણ કામદારોને સીલીકોસીસ થતો હતો. છતાં સુરેન્દ્રનગર જિલ્લા પાસે તેના નિદાન કરી શકે તેવા ડૉક્ટર નથી તે આઘાતજનક કહેવાય. જિલ્લા હોસ્પીટલ, સીએચસી કે પીએચસીમાં સરકાર દ્વારા બનાવેલ નિયમોના અમલીકરણ અંગે તેમણે વાત કરી. 

સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે કાર્યકરોનો આક્રોશ

જન સ્વાસ્થ્ય અભિયાન ઈન્ડિયા (JSA INDIA) એ ભારતમાં આરોગ્ય અધિકારો, સાર્વત્રીક અને સમાવેશી વ્યવસ્થાની માગણી કરતું એક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે. 

અંતે જન સ્વાસ્થ્ય અભિયાન ઇંડીયાની સુરેન્દ્રનગર શાખાની સમીતી બનાવાઇ જે ટુંક સમયમાં  અધીકારીઓ સમક્ષ રજૂઆત કરશે. 

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.